મૂડીવાદી અને સામ્યવાદી તાકતો વચ્ચે આરોપ-પ્રત્યારોપોના ઘેરાવ હેઠળ કોરોના વાયરસની ઉત્પતિ અંગે વૈજ્ઞાનિક સમીકરણો આધારિત મીડિયા રિપોર્ટસ જણાવે છે કે કોરોના મહામારી ચામાચીડિયાં(બેટ) વડે મનુષ્યમાં ફેલાઈ છે. છતાં તે અંગે કોઈ ઠોસ પુરાવા હજુ સુધી મળી શક્યાં નથી તેમજ ભવિષ્યમાં કોઈ ચોક્કસ કારણો જાણી શકાશે કે કેમ તેના પર પણ સવાલ છે. આ અહેવાલો જોઈ ઘરની નજીક દેખાતાં ચામાચીડિયાં કે તેમનાં રહેઠાણને હાનિ પહોંચાડશો નહિ.
હાલનું સંશોધન સૂચવે છે કે વાયરસના નજીકના જાણીતાં પૂર્વજોમાંના એકથી કોવિડ-૧૯ ૪૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં બેટમાં ઉભરી આવ્યું હોઈ શકે. મનુષ્યને ચેપ લગાડવા માટે સક્ષમ કોરોનાવાયરસ દાયકાઓથી બેટ્સ તેમજ માનવ સહિત અન્ય પ્રજાતિઓ પર આવતો-ફરતો હોઈ શકે છે જે હમણાં સુધી ધ્યાને ન આવ્યો હોય અને હવે પ્રસાર વ્યાપક રીતે થયો હોય તેવું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. જોકે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO-World Health Organisation) અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR-Indian Council of Medical Research) એ સ્પષ્ટતા કરી હતી કે ચામાચીડિયાંમાંથી મનુષ્યમાં કોવિડ-૧૯ પ્રસારિત થવાનો કોઈ નક્કર પુરાવો નથી.
વણચકાસેલ સમાચારો અને સોશિઅલ મીડિયા પોસ્ટ્સ વ્યાપક વેરભાવ તરફ દોરી જાય છે. જેને કારણે દુનિયામાં અને દેશમાં જાહેરમાં ચામાચીડિયાંના રહેઠાણ તોડી પાડવું કે તેમને નુકસાન પહોંચાડવું જેવી ઘટનાઓ બની છે. ભારતનાં વનવિભાગે પણ ચામાચીડિયાંને તેમજ તેમનાં રહેઠાણને જાહેરમાં નુકસાન પહોંચાડવા સામે ચેતવણી આપી છે.
ઘણાં સંશોધનકારો અને સંરક્ષણકારો (દક્ષિણ એશિયાઈ તેમજ કેનેડા) એ લખ્યું છે કે સાર્સ કોવિડ-૧૯ નું સચોટ મૂળ હજું અજ્ઞાત છે ત્યારે આ મહામારી માટે ચામાચીડિયાં કે અન્ય પ્રાણીને દોષ આપવું કેટલું વાજબી છે?
ચામાચીડિયાંની હત્યા કરવી અને તેમના રહેઠાણોનો નાશ કરવો તે વધુ નુકસાનકારક છે કારણ કે તેનાથી બેટ તેમના રહેઠાણને ફેલાવી શકે છે. અત્યારસુધી જોવામાં આવેલાં અમુક વાયરસ જે ચામાચીડિયાં વડે ફેલાયા હતાં જેમ કે, નિપાહ, ઇબોલા, માર્બર્ગ, હેન્ડ્રો, સાર્સ અને માર્સ વાયરસ માનવભક્ષી સાબિત થયાં છે. આપણે યાદ રાખવું જોઈએ કે બધાં જંગલી પ્રાણીઓ કોઈને કોઈ વાયરસને પ્રસાર કરે છે. મોટાભાગના વાયરસ માનવી માટે હાનિકારક હોતાં નથી અને માનવ-મૃત્યુ નહિવત્ હોય છે. ફક્ત બેટ પર આંગળીઓ દર્શાવવું એ ખૂબ પક્ષપાતી અને અન્યાયી છે. જો આપણે તેમનાં રહેઠાણોનો નાશ કરતા રહીએ તો અન્ય પ્રાણીઓથી માણસોમાં અન્ય વાયરસ ફેલાવાની સંભાવના છે.
પ્રાણી શાસ્ત્ર મુજબ ચામાચીડિયું પક્ષી નથી પરંતુ એક પ્રકારનું સસ્તન પ્રાણી છે. તે પાંખો ધરાવતું હોઇ પક્ષીઓની માફક ઊડી પણ શકે છે. રાત્રિગામી ચામાચીડિયાનાં ખોરાકના આધારે મુખ્યત્વે બે પ્રકાર છે : (૧) જે ફળો અને મધ પર જીવે છે (૨) કીટકભક્ષી અનુક્રમે માઈક્રો કાઈરોપ્ટરન અને મેક્રો કાઈરોપ્ટરન. દેખાવના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય : (૧) ચામાચીડિયુ દેખાવમાં નાનું હોય અને (૨) વાગોળ મોટું હોય અનુક્રમે માઈક્રો બેટ અને મેક્રો બેટ. દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓ તેમને 'ચીરમીઠઅ' (ચામાચીડિયુ) અને 'વાગ્લઅ' (વાગોળ) નામથી ઓળખે છે.
આખા વિશ્વમાં ચામાચીડિયાંની વસ્તી સસ્તન પ્રાણીઓના આશરે 25% જેટલી છે અને તેની ૧૦૦૦થી વધુ પ્રજાતિઓ છે. ભારતમાં મુખ્યત્વે ૧૨૮ કરતાં વધુ પ્રજાતિઓ જોવા મળે છે. ફળભક્ષી (ફ્રૂટ બેટ) ચામાચીડિયુ કે વાગોળ પૂરેપૂરું ફળ ખાતું નથી. તે ફળના બીજને પચાવી શકતું નથી અને નીચે નાખી દે છે. તેમાંથી પાક વધુ થતો હોવાનું માનવામાં આવે છે જે આર્થિક લાભ આપે છે. ફળભક્ષી પરાગ રજ અને બીજનું પરિવહન કરી સંવર્ધન પ્રક્રિયાને વેગ આપે છે, જ્યારે કીટકભક્ષી ચામાચીડિયા દરરોજ હજારો ઉપદ્રવી જંતુઓને આરોગે છે અને જીવાણુ નિયંત્રણ કરે છે અને વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે. આમ, ચામાચીડિયા પરાગ રજ વહન, જીવાત-નિયંત્રણ તથા વાતાવરણમાં સંતુલન જાળવવા જેવી ઇકો ફ્રેન્ડલી સેવાઓ આપે છે.
આજે વિવિધ માનવ-પ્રવૃતિઓનું વન્યપ્રાણી વસવાટો પર અતિક્રમણ વધતું જાય છે ત્યારે ભવિષ્યમાં બીજાં માનવભક્ષી વાયરસો ઉદભવવાનુ જોખમ વધવાના એંધાણ ચોક્કસથી વર્તાઈ રહ્યાં છે. વર્તમાન મહામારી એ પરોક્ષ રીતે અકુદરતી પ્રવૃતિઓ કે પર્યાવરણીય વિનાશ સિવાય બીજું કશું નથી. નવાં વાયરસોને ઉદભવતા રોકવા માટે માનવપ્રથાઓમાં ફેરફાર કરવાની ખાસ જરૂર છે. પ્રકૃતિ સાથે માનવી તેમજ પશુ-પક્ષીઓના સહઅસ્તિત્વને સમજી વન્ય પ્રાણી કે જીવ સંરક્ષણને લગતાં કાયદાકીય માળખાને વધુ મજબૂત કરવાની જરૂર છે. એ બાબત નોંધપાત્ર છે કે ભારતીય વન્યજીવન અધિનિયમમાં ચામાચીડિયાંની ભારતમાં જોવાં મળતી ૧૨૮ પૈકી માત્ર બે જ પ્રજાતિને સંરક્ષણ આપવામાં આવ્યું છે.
બીજી તરફ નક્કર વૈજ્ઞાનિક સંશોધનોની રાહ જોઈએ. સરકાર અને WHO દ્વારા બહાર પાડવામાં આવતા સાવચેતીના પગલાંઓનું ચુસ્તપણે પાલન કરીએ. સજાગ બની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાઈએ અને અફવાઓ ન ફેલાય તે માટે પૂરતો સહયોગ આપીએ.
(તસ્વીરો : ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સઠવાવ, માંડવી, સુરત
ઈન્ફો. ક્રેડિટ : ધી હિન્દુ આર્ટિકલ્સ
અંશ સુધાર : ૧૬ નવેમ્બર, ૨૦૨૧)
No comments:
Post a Comment